raliyamna Dungar lage chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રળિયામણા ડુંગર લાગે છે

raliyamna Dungar lage chhe

નાઝ માંગરોલી નાઝ માંગરોલી
રળિયામણા ડુંગર લાગે છે
નાઝ માંગરોલી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,

નૌકાને ડુબાવી દેવાનો સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,

બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે પ્રભાકર ચમકે છે ને રાતે શિશ ને તારાઓ,

પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકારને નિરંતર લાગે છે.

આશાઓ કુંવારી રહી જાશે, મોત! જરા તું થોભી જા,

નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,

ભૂતકાળનાં સ્વપ્નાં જાગે છે, એક ચોટ જિગર પર લાગે છે.

દુઃખ-દર્દ જીવનનાં ભૂલી જવા હું 'નાઝ' મદિરા પીતો નથી,

છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4