ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?
kyan santadun dariyo; kantha kyan santaadun?

ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?
kyan santadun dariyo; kantha kyan santaadun?
વ્રજેશ મિસ્ત્રી
Vrajesh Mistri

ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?
પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વિંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?
સંતાડી દઉં દીકરીના ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુ થાપા ક્યાં સંતાડું?
ઘોડાવેગે દુઃખ નીકળ્યું આઘાત ઉડાડી;
ઘણું લૂછ્યું, ના ગયા એ છાંટા, ક્યાં સંતાડું?
લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?

સ્રોત
- પુસ્તક : ઝાંઝવાંની ભીંતો (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : વ્રજેશ મિસ્ત્રી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2022