હતા સુખ એક પળમાં બસ જે પળમાં મારું મન લાગ્યું
hataa sukh ek palmaa bas je marun man laagyun

હતા સુખ એક પળમાં બસ જે પળમાં મારું મન લાગ્યું
hataa sukh ek palmaa bas je marun man laagyun
વિકી ત્રિવેદી
Vicky Trivedi

હતા સુખ એક પળમાં બસ જે પળમાં મારું મન લાગ્યું,
પરંતુ દોસ્ત એ પળ શોધતા આખું જીવન લાગ્યું!
હું આવ્યો સાંકડી ટોચેથી આ ખુલ્લી તળેટીમાં,
થયો છું મુક્ત ભયથી પણ ઘણાને એ પતન લાગ્યું!
હું તો ઠોકરથી બચવા નીચું જોઈ ચાલતો'તો બસ,
મને દુશ્મન મળ્યો સામે તો એને એ નમન લાગ્યું!
હવે આથી વધારે પ્રેમમાં ઊંચાઈ શું આવે?
તમારા પર લખ્યું'તું કાવ્ય પણ સૌને ભજન લાગ્યું!
વિકી, સંતોષથી મૈત્રી કર્યાનો ફાયદો જોયો?
દુઃખો ફાવી ગયા એમાંય સુખનું આગમન લાગ્યું!



સ્રોત
- પુસ્તક : જાતે પ્રગટ થશે… (પૃષ્ઠ ક્રમાંક 129)
- સર્જક : વિકી ત્રિવેદી
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024