aansuono bhaar laagyo aetle lakhto rahun chhun - Ghazals | RekhtaGujarati

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું

aansuono bhaar laagyo aetle lakhto rahun chhun

પરેશ સોલંકી પરેશ સોલંકી
આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું
પરેશ સોલંકી

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,

શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.

બેવફાઈ, દર્દ, ખાલીપો છતાં પણ લાગણીને,

પ્રેમ મુશળધાર લાગ્યો એટલે લખતો રહું છું.

આમ મારી જિંદગી હાંફી રહી છે ફેફસાંમાં-

શ્વાસને પડકાર લાગ્યો એટલે લખતો રહું છું.

ના મળ્યો કોઈ પુરાવો મંદિરો કે મસ્જિદોમાં,

જીવ એકાકાર લાગ્યો એટલે લખતો રહું છું.

થઈ ગયો છું ક્ષણોની ભીડમાં હું કેદ જ્યારે,

ભીતરે વિસ્તાર લાગ્યો એટલે લખતો રહું છું.

સ્રોત

  • પુસ્તક : ...એટલે લખતો રહું છું (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : પરેશ સોલંકી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2024