દોસ્તનો દરબાર હોવો જોઈએ
dostno darbar hovo joiye
દેવદાસ શાહ 'અમીર'
Devdas Shah 'Amir'

જિંદગીનો એટલો બસ સાર હોવો જોઈએ,
જ્યાં સુધી જીવું છું તારો સાથ હોવો જોઈએ.
એજ ચાહત છે કે મબલખ પ્યાર હોવો જોઈએ,
છું ધરા ધીંગી સતત વરસાદ હોવો જોઈએ.
મોરલાની જેમ ગહેકીને કદી કહેવાય નહીં,
પ્યારના ઇકરારમાં થડકાટ હોવો જોઇએ.
એક પણ ડગલું હવે આગળ વધાતું કાં નથી?
આટલામાં એમનો આવાસ હોવો જોઈએ.
ભાગ્યની એવી બુલંદી દે મને તું ઓ ખુદા!
દોડવાનું થાય ત્યારે ઢાળ હોવો જોઈએ.
મારશે ના કોઈ દી વિશ્વાસમાં લીધા વગર,
એટલો તો દોસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ.
હો ભલે ખોટો છતાં થોડો દિલાસો આપજો,
જીવવાને કાંઈક તો આધાર હોવો જોઈએ.
એક આવે, જાય બીજો શી મજા એમાં ‘અમીર’?
આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ.



સ્રોત
- પુસ્તક : અમીરની અમીરાત (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : દેવદાસ શાહ ‘અમીર’
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2024