diwso judaina jay chhe, e jashe jarur milan sudhi - Ghazals | RekhtaGujarati

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી

diwso judaina jay chhe, e jashe jarur milan sudhi

ગની દહીંવાલા ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી

મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી.

અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,

ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી! કહો એને પ્યારની જિંદગી,

ન રહી શકાય જીવ્યા વિના! ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકના છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,

તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004