sapnaan sarii gyaa - Ghazals | RekhtaGujarati

સપનાં સરી ગયાં

sapnaan sarii gyaa

લતીફ સુરતી લતીફ સુરતી
સપનાં સરી ગયાં
લતીફ સુરતી

કેવો પ્રભાવ મારા હૃદય પર કરી ગયાં?

કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયાં?

સન્માન કરજો યા પછી ઠોકર લગાવજો,

દિલને અમે તો આપનાં ચરણે ધરી ગયાં.

આવ્યા અમારી પાસે ઉમંગો અનેક લઈ,

અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયાં.

તારી હતી એક આશ, તું તેનો વિચાર કર,

જેના જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં!

વાતો હવે વફાની જગતમાં રહી ગઈ,

દુશ્મનનું કામ જે હતું, મિત્ર કરી ગયાં.

લાગી ‘લતીફ’ કોની નજર તારા બાગને?

બે-ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ