jherno to parashn kyan chhe, jher to hun pi gayo - Ghazals | RekhtaGujarati

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો

jherno to parashn kyan chhe, jher to hun pi gayo

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો
ખલીલ ધનતેજવી

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

બધાને વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,

તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,

તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?

ભાઈને હું શું કહું, મારું ઘર ખોદી ગયો.

જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,

આખી વાત ક્હેવાનું તો હું ભૂલી ગયો.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008