dildarna darshan wina bijun mane gamatun nathi - Ghazals | RekhtaGujarati

દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી

dildarna darshan wina bijun mane gamatun nathi

બાલાશંકર કંથારિયા બાલાશંકર કંથારિયા
દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી
બાલાશંકર કંથારિયા

દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી,

પુતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી;

મુખચંદ્ર શોભે ઝળહળી ઝરતું સુધા જ્યાંથી વહી,

તે મુજ ચકોર ગરીબને, પીધા વિના ગમતું નથી;

કુદરત તણી બલિહારીનાં, હું રમું રંગીલો રંગમાં

પણ હાય! ભર છક રંગ તને છાંટ્યા વિના ગમતું નથી.

છો માહરા નોંધે ગુન્હાઓ, નિંદકોનો દફતરી

પણ મસ્ત તુજ દરબારમાં, આવ્યા વિના ગમતું નથી

શો મોહ દુનિયાનો કરૂં, દુનિયાં દીઠી દો રંગમાં

પણ માહરે તો તાહરા એક રંગ વિના ગમતું નથી.

કંઈ સ્વાર્થ કે કારણ તહારા પ્રેમમાં મારે નથી,

પ્રેમનું કારણ પ્રેમ તે વિના બીજું ગમતું નથી.

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2