ધુમ્મસ ઢળેલ અશ્વ સવારોના શ્હેરમાં
dhummas dhalel ashv savaaronaa shermaan
અગમ પાલનપુરી
Agam Palanpuri
અગમ પાલનપુરી
Agam Palanpuri
ધુમ્મસ ઢળેલ અશ્વ સવારોના શ્હેરમાં,
શું સૂર્યનો દમામ વિકારોના શ્હેરમાં!
સજ્જડ કમાડ જેમ ટકોરાય સૌ અહીં,
કૈં પણ સુણે ન કોઈ પુકારોના શ્હેરમાં!
આંખોનાં આંસુએ જ ઠરે વિશ્વ-દેવતા!
ડૂબે તરસતો સૂર્ય તુષારોના શ્હેરમાં.
તૂટી પડે બધાં જ પછી રક્ત-રાત પર;
ભીંસાઈ જાય સૂર્ય કતારોના શ્હેરમાં.
હું શું કહું કશુંય; ‘ફરે તે ચરે’... વિશે!
લૂંટાઈ પણ જવાય લટારોના શ્હેરમાં!
નામે નફો અનંગ નજરના નગે નગે,
સૌ સ્વાર્થના ગુલામ બજારોના શ્હેરમાં!
ખુદ ચોટને જ ચોટ દિલે વાગતી રહે,
પથ્થર સુધી થવાય પ્રહારોના શ્હેરમાં.
હું એકલો, બધાં મને પરછાઈ પૂરતાં,
અળગો જ ઓળખાઉ હજારોના શ્હેરમાં!
ઇન્સાન વિણ કશું નહીં, ઇન્સાન કૈ નહીં!
સળગ્યા કરે મસાણ... મઝારોના શ્હેરમાં.
હું હાસ્ય ખડખડાટ સડક જેમ પાધરો -
લોહીલુહાણ દર્પણી દ્વારોના શ્હેરમાં!
કડવાં કુરૂપ દૃશ્ય 'અગમ' ઑર ખિલખિલે,
દિલ-દર્શ દિલખુશાલ વિહારોના શ્હેરમાં.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2008
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
