dharanun beej chhun to pan phasalman awun to ke’je - Ghazals | RekhtaGujarati

ધરાનું બીજ છું તો પણ ફસલમાં આવું તો કે’જે

dharanun beej chhun to pan phasalman awun to ke’je

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
ધરાનું બીજ છું તો પણ ફસલમાં આવું તો કે’જે
અશરફ ડબાવાલા

ધરાનું બીજ છું તો પણ ફસલમાં આવું તો કે’જે;

નિકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે.

સમયથી પર થઈને હું ક્ષિતિજની પાર બેઠો છું,

દિવસ કે રાતના કોઈ પ્રહરમાં આવું તો કે’જે.

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,

હું કોઈની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે.

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવને લઈને,

વિવશતા કે વ્યથારૂપે ગઝલમાં આવું તો કે’જે.

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,

હું કોઈ પંથ કે કોઈ ડગરમાં આવું તો કે’જે.

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,

નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે.

તું જોજે ફાંસની જેમ ખટકવાનો છું છેવટ લગ,

કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે.

સ્રોત

  • પુસ્તક : વાણીપત (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : અશરફ ડબાવાલા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013