dewagananun shun thashe? - Ghazals | RekhtaGujarati

દેવગણનું શું થશે?

dewagananun shun thashe?

ગની દહીંવાલા ગની દહીંવાલા
દેવગણનું શું થશે?
ગની દહીંવાલા

માર્ગ મળશે હે હ્રદય તો મૂઝવણનું શું થશે?

ધાર કે મંઝિલ મળી ગઈ, તો ચરણનું શું થશે?

હાય રે ઝાકળની મજબૂરી, રડ્યું ઉદ્યાનમાં,

ના વિચાર્યું રમ્ય વાતાવરણનું શું થશે?

હું ભલે દીવાનગી ત્યાગીને ડાહ્યો થઇ ગયો,

આજ પર્યંત આચરેલા આચરણનું શું થશે?

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને,

આપણે થાશું સફળ તો દેવગણનુ શું થશે?

જૂઠી તો જૂઠી આશે જીવવા દેજો મને,

જૂજવાં મૃગજળ જતાં રહેશે તો રણનું શું થશે?

લાગણી સમ કો વહંતી વસ્તુને વળગ્યા પછી,

સાગરે તૃણને નથી ચિંતા, તરણનું શું થશે?

રૂઠવું કે રીઝવું એની મને કંઇ ગમ નથી,

ફળ હશે તો તમારા આચરણનું, શું થશે!

જ્યાં સમજ આવી તો હું સમજી પ્રથમ બોલ્યો ‘ગની’,

આજથી નિર્દોષ મારા બાળપણનું શું થશે!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981