રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
સમજાતી તો થઈ
samjati to thai
હર્ષદ ત્રિવેદી
Harshad Trivedi
આંખ દરિયો ના બની પણ સહેજ છલકાતી તો થઈ,
એ રીતે મારી બધી સંવેદના ગાતી તો થઈ!
રાત અજગર જેમ લાંબીલચ્ચ થઈ સૂતી હતી,
તું સવારે આવશે જાણીને સળવળતી તો થઈ!
તડકો પડે, છાંયો ઢળે, વરસી પડે કંઈ પણ બને,
ભાગ્યની આ ચડઊતર બસ એમ બદલાતી તો થઈ!
તુંય તારા, હુંય મારા, સૌ સહુના માર્ગ પર,
પગરવે મંઝિલ બધાંની રોજ ટકરાતી તો થઈ!
સ્થિર આંખોની ય પાંપણ આજ અમથી ગઈ ઢળી,
વાત મારી છેવટે તેઓને સમજાતી તો થઈ!
કોઈ આવી જાય છે તો કોઈ ચાલ્યું જાય છે,
વારતાની વારતાઓ એમ વહેંચાતી તો થઈ!
બેય બાજુથી મળ્યો છે ફાયદો હર્ષદ મને,
ચાંદલો તમને કર્યો પણ આંગળી રાતી તો થઈ!
સ્રોત
- પુસ્તક : તરવેણી (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2014