manas chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,

મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હમેશાં મઘમઘતાં,

હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,

જીવું છું ઝાંખું પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,

કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે વસ્તીમાં વસનારાને,

એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,

કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 565)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007