dariyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હલેસે હલેસે હલેસાય દરિયો,

બધી હોડીઓ લઈ વહી જાય દરિયો.

ઉમેરો તો ટીપે ઉમેરાય દરિયો,

ઉલેચો તો ખોબે ઉલેચાય દરિયો.

જહાજોની સંગાથ ઘસડાય દરિયો,

ને ખડકોની છાતીથી અફ્ળાય દરિયો,

સમયની ગુફાઓમાં પડઘાય દરિયો,

મૂકો શંખ કાને તો સંભળાય દરિયો.

જરા પણ જો તરસ્યો કદી થાય દરિયો,

તો નદીઓની નદીઓને પી જાય દરિયો.

કદી બુંદ રૂપે ટપકતો નભેથી,

કદી બાષ્પ થઈને ઊડી જાય દરિયો.

કદી વિસ્તરે રણ સમંદરના દિલમાં,

કદી રણની આંખોમાં ડોકાય દરિયો.

વહીને કિનારા સુધી ફીણ આવે,

કશે દૂર ઊંડાણમાં જણાય દરિયો.

રોકી શકે ડૂબનારાને કોઈ,

જગતમાં નકામો વગોવાય દરિયો.

સતાવે અગર સૂર્યકિરણો તો દોડી,

કિનારાની રેતીમાં સંતાય દરિયો.

પાણીના નીચેય રસ્તા પડ્યા છે,

હું ડગલું ભરું ને ખસી જાય દરિયો.

ખરી જાય ઊંડાણમાં શુક્રમોતી,

અગર મત્સ્યકન્યાને વીંટળાય દરિયો.

ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓ ને,

જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો.

તમે જાળ નાખ્યા કરો રોજ ‘આદિલ'

પરંતુ કદીયે પકડાય દરિયો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004