kashi wat wagar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કશી વાત વગર

kashi wat wagar

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કશી વાત વગર
અમૃત ઘાયલ

દુઃખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,

મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,

કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,

મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.

મજા કોણ ચખાડત મને આઘાત વગર?

તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

સાકિયા! પીધા વગર તો નહિ ચાલે મુજને!

તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.

કોઈ ને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,

એક દિવસ ગયો હાય, અકસ્માત વગર.

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં,

એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર.

કામમાં હોય તો, દરવાન, કહે, ઊભો છું!

મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિન્તુ,

ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર,

લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,

કાંઈ ચમકી નથી શકતું ઝવેરાત વગર.

કલા કોઈ શીખે મિત્રો કનેથી 'ઘાયલ',

વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4