ishkno bando - Ghazals | RekhtaGujarati

ઈશ્કનો બંદો

ishkno bando

કલાપી કલાપી
ઈશ્કનો બંદો
કલાપી

જો ઈશ્ક ના તો શું ખુદા? આલમ કરી તો યે ભલે.

જો ઈશ્ક ના તો શું જહાં? એને ખુદા યે શું કરે?

કારખાનું ઈશ્કનું જો જો તપાસી ખૂબ ખૂબ

ખેલ ને ખેલનારો એક નૂરે ઈશ્ક છે.

એથી ડરૂં તો કયાં ઠરૂં? કોને ખુદા મારો કરૂં?

જ્યાં લાઇલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઈશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ;

શું છે ખુદા? શું છે સનમ? એને બિમારી છે.

ક્યાં યે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે;

જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી હારી જશે.

જો હો ખુદા તો હો ભલે; તેની અમોને શી તમા?

છે ઈશ્કથી તો ના વડો જે ઈશ્ક મારૂં તાજ છે.

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,

દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારું કોણ છે?

જો કો અમોને વારશે, કોઈ અમોને પૂછશે,

તો ઈશ્કની ફૂંકે અમારી લાખ કિલ્લા તૂટશે.

છું સખ્ત ઝખમી મસ્ત દારૂ પી બન્યો બિમાર છું;

પણ ઈશ્કથી બીજો અમોને જીતનાર કોણ છે?

હા! નાસ્તિકો સૌ આવજો, ખંજર તમારું લાવજો,

ખૂન કાઢી તો જુઓ, કાતિલ પાણી થશે.

જે ઈશ્કનો બન્દો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા;

ઓહો! ખુદા શું? લોક શું? કે કોઈ શું તેને કરે?

સૌ ઈશ્કના બેદાદ દિલના દર્દને ધિક્કારતાં;

આંજી જુઓ પણ આંખમાં એક દી સુરમો તમે.

જે પાયમાલીમાં અમારાં છે ભરેલાં આંસુડાં,

તે એક ટીપું લાખ દુનિયા વેચતાં ના ના મળે.

કિમ્મત અમારી પૂછશો, તો એક દિલનું બિન્દુડું;

વેચાઈએ આનંદથી લેજો સુખે જેને ખપે.

છે તો હર્રાજી તોય મોંઘો ઈશ્કનો માલ છે;

જે ઝિન્દગી રોનાર હો તે આવજો લેવા ભલે.

ખૂન નીચોવી અહીં છે જાપ જપવો ઈશ્કનો;

ગરદન કપાવી શીર્ષની માળા બનાવો તો ભલે.

મંત્ર જપતાં જાગશે ભૂતાવળો લાખો અહીં;

દેખતા ડરશો નહીં તો ખેલશું આવો ભલે.

ગુલામ થઈ રહેશું સદા પણ બાદશાહી મહાલશું;

માલિકના દિલનું કરીને તખ્ત સૂનારા અમે.

હા! લાખરંગી ઈશ્કનું કો એકરંગી જામ છે;

મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા અમે.

આવો, ભરી પીજો અને જીરવી લેજો નશો;

નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને.

તો અમારી માદરે પાયું અમોને જન્મતાં,

ને મોતની મીઠી પથારીમાં ભર્યું યે છે;

ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા;

લાખમાંના એક પણ જુદા કૈં ઘેલા અમે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942