chume chhe vhaalthii paanii, kare chhe gel pag saathe - Ghazals | RekhtaGujarati

ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે

chume chhe vhaalthii paanii, kare chhe gel pag saathe

અનિલ ચાવડા અનિલ ચાવડા
ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે
અનિલ ચાવડા

ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,

સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?

અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં છે ઘર ત્યાગવાની વાત કરતું મન,

કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?

કહો છો દોડવાનું એય તે બાંધેલ પગ સાથે?

ફક્ત એક દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,

પધાર્યાં'તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો

હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?

અલગ રીતે સ્વયંનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાખઘોડી પર,

ઘરેથી નીકળ્યો'તો હું ઘણા કાબેલ પગ સાથે.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન