ચો–તરફ તડકો બની ફેલાય છે
cho-taraf tadko bani felay chhe
અંજુમ ઉઝયાન્વી
Anjum Ujayanvi

ચો–તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.
આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાંઝાં નામથી પંકાય છે.
વાયરો વાસંતી, ચાલો માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.
વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખા ક્યાં કોઈ ભીંજાય છે!
બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો–સો પ્રલય વમળાય છે.
સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?
રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?
આંગણું છોડીને બા’રે તો નીકળ
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2008