chhoDine aaw tun - Ghazals | RekhtaGujarati

છોડીને આવ તું

chhoDine aaw tun

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'

તારું કશું ન હોય તો છોડીને આવ તું,

તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારા જ નામનું,

હું એ જ ઘર છું એ જ ભલેને ન આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે ઓઢ્યું છે એ ય તું,

મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,

છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે,

એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 419)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004