chhewte hamphi gayo e akhre manas hato - Ghazals | RekhtaGujarati

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો

chhewte hamphi gayo e akhre manas hato

ધ્વનિલ પારેખ ધ્વનિલ પારેખ
છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો
ધ્વનિલ પારેખ

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,

ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,

લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

એક-બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,

ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી,

બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થનાને ચોતરફ છે ઘંટનાદ,

ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,

બસ, બધું ભૂલી ગયો એ? – આખરે માણસ હતો.

સ્રોત

  • પુસ્તક : દરિયો ભલેને માને... (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ધ્વનિલ પારેખ
  • પ્રકાશક : સાહિત્ય સંગમ
  • વર્ષ : 2008