છે કવિની જિંદગી, લાયક ગુજારો આપજો
chhe kavinii jindgii, laayak gujaaro aapjo
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
છે કવિની જિંદગી, લાયક ગુજારો આપજો
chhe kavinii jindgii, laayak gujaaro aapjo
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
છે કવિની જિંદગી, લાયક ગુજારો આપજો;
ભાવ થોડા આપજો, થોડા વિચારો આપજો.
સૃષ્ટિ માગે છે હવે દુઃખમાંય શોભા બાગની,
શક્ય હો તો રણને મૃગજળનો ફુવારો આપજો.
દુશ્મનો, સૌએ નહીં દફનાવજો દિલમાં મને;
એક માનવને નહીં ઝાઝી મઝારો આપજો.
જીવવું છે જિંદગીની ગરદિશોમાં સ્થિર થઈ,
ભાગ્યને મારા હવે ધ્રુવનો સિતારો આપજો.
માનજો નહિ મિત્ર, બબડું છું નશાના હાલમાં;
ભાનમાં છું ને કહું છું કે સહારો આપજો.
ચાહું છું કે ડૂબી જાઉં લોકની દૃષ્ટિ મહીં;
હોય જે નિર્જન, મને એવો કિનારો આપજો.
લોકને જોયાં અમે આ એક બાબતમાં ઉદાર,
કોઈને કહેવું નથી પડતું, પ્રહારો આપજો.
અશ્રુઓ ઝાકળનાં મારાથી તો જોવાતાં નથી,
હું તો નહિ માગું કે ઉપવનમાં સહારો આપજો.
કેટલા બદબખ્ત છે બેફામ તારા આભના,
કોઈ પણ કહેતું નથી - એને સવારો આપજો.
સ્રોત
- પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2023
