chet machhandar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચેત મછંદર

chet machhandar

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, કોઈ બંદર, ચેત મછંદર,

આપે તરવો આપ સમંદર, ચેત મછંદર!

નીરખે તું તે તો છે નીંદર, ચેત મછંદર,

ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર!

કામરૂપિણી દુનિયા દાખે રૂપ અપારા,

સુપના લગ લાગે અતિસુંદર, ચેત મછંદર!

સૂન શિખરની આગે આગે શિખર આપણું,

છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર!

સાંસ અરૂ ઉસાંસ ચલા કર દેખો આગે,

અહાલોક! આયા જોગંદર, ચેત મછંદર!

દેખ દિખાવા સબ ઢરતા હૈ ધૂરકી ઢેરી,

ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર!

ચડો ચાખડી, પવનપાવડી, જ્ય ગિરનારી,

ક્યા હૈ મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008