Chare Taraf Sukkayela Parnona Khadkhadat - Ghazals | RekhtaGujarati

ચારે તરફ સુક્કાયેલા પર્ણોના ખડખડાટ

Chare Taraf Sukkayela Parnona Khadkhadat

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
ચારે તરફ સુક્કાયેલા પર્ણોના ખડખડાટ
લલિત ત્રિવેદી

ચારે તરફ સુક્કાયેલા પર્ણોના ખડખડાટ

ધીમા પડી રહ્યા છે હવે સર્વ હણહણાટ

ચૂકી ગયા-ના અર્થમાં કૈં વર્ષથી ઊભો

ને ટ્રેઇન, હું હોઉં એમ, જાય સડસડાટ

એક્કેક ક્ષણ છે શિર ઉપર ખેંચાયેલી પણછ

એક્કેક ઇચ્છા લોહીઝાણ મૃગના તરફડાટ

મારા-તમારા મન વચે રઝળ્યા કરું સતત

તમને, કહો, સાંભળવા દીધા છે ખળભળાટ?

પાંપણમાં સૂર્ય લૈને રાત સૂર્યમાં ઢળે

ને આપ્તજન સૌ પાસમાં સૂતાં છે ઘસઘસાટ

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ