ચન્દન સમાન મહેકતી કાયાની પાસ છું
chandan samaan mahektii kaayaanii paas chhu

ચન્દન સમાન મહેકતી કાયાની પાસ છું
chandan samaan mahektii kaayaanii paas chhu
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma

ચન્દન સમાન મહેકતી કાયાની પાસ છું;
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું.
તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું;
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું.
જોઈ લે છેલ્લીવાર તું રેખાઓ હાથની;
સંધ્યા – સમયનો ક્ષીણ થતો હું ઉજાસ છું.
એના હરેક કણમાં અનાગતની ઝંખના;
તૂટી રહેલો આખરી વેળાનો શ્વાસ છું.
ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું;
આમેય ક્યાં જીવંત છું? ‘હોવાનો’ ભાસ છે.
સાંનિધ્યમાં પ્રકાશ, મહક, આર્દ્રતા મળ્યા;
કોઈ કબર ઉપરનું સુકાયેલું ઘાસ છું.
ચાતકના કંઠથી તે કોઈ ઊંટની ખરી;
વિખરાઈને પડેલી ચિરંજીવ પ્યાસ છું.



સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ