chamatkar koi thawano nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચમત્કાર કોઈ થવાનો નથી

chamatkar koi thawano nathi

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
ચમત્કાર કોઈ થવાનો નથી
આદિલ મન્સૂરી

ચમત્કાર કોઈ થવાનો નથી

યમદૂત પાછો જવાનો નથી

નથી કોઈ ચહેરો તિરાડો વગર

કરચલી વગરનાં મકાનો નથી

પહેરેલા પડછાયે સૌ નીકળ્યા

હવે પાછા ફરવાનાં સ્થાનો નથી

ચિતા ઘરના આંગણમાં સળગી રહી

અલગ દૂર કોઈ સ્મશાનો નથી

દટાઈ ગયા ઘરની માટીમાં સૌ

કબરનાં જુદાં કોઈ સ્થાનો નથી

કઈ છેક પાતાળે કણસી રહ્યું

અને માર્ગ ત્યાં પહોંચવાનો નથી

પડી ભાંગ્યાં આખ્ખાં ને આખ્ખાં નગર

મકાનો નથી ને દુકાનો નથી

બધે ભૂતિયાં ખંડિયેરો ઊભાં

નથી કોઈ નામો નિશાનો નથી

હવે ખાલી મેદાન છે ચોતરફ

હવે તો અહીં ભય કશાનો નથી

બધાની કબર એકસરખી અહીં

અહીં કોઈ મોટો કે નાનો નથી

અહીં ત્રણ અક્ષરમાં આવી ગયું

મરણ વચ્ચે માતર કે કાનો નથી

હજી આંચકા રોજ આવ્યા કરે

યમદૂત પાછો જવાનો નથી

સ્રોત

  • પુસ્તક : ગઝલના આયનાઘરમાં (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003