chaman mahin daphnawjo mane - Ghazals | RekhtaGujarati

ચમન મહીં દફનાવજો મને

chaman mahin daphnawjo mane

જલન માતરી જલન માતરી
ચમન મહીં દફનાવજો મને
જલન માતરી

આરા-નિવાસી ભાગતાં નજરોમાં આવશે,

દરિયો અસલમાં એનું જો પાણી બતાવશે.

એને બચાવે કોણ અલ્લાહને ખબર,

શયતાની જાળમાં ખુદા જેને ફસાવશે.

ઈશ્વરને ગમતું પાપ પણ કરશે જો કોઈ તો,

એને ખુદાની જાત પયમ્બર બનાવશે.

હું એટલા માટે તો નાસ્તિક નથી થયો,

ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે.

ઠોકર અસંખ્ય મારી હું સીધું કરી દઈશ,

હદથી વધુ નસીબ જો મુજને સતાવશે.

હો શક્ય તો ચમન મહીં દફનાવજો મને,

લોકો નહીં તો ફૂલ પવન તો ચઢાવશે?

હદથી વધારે ઊંઘવું સારું નથી ‘જલન’

ઈશ્વર ક્યાં માનવી છે કે સ્વપ્નામાં આવશે?

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984