chakli - Ghazals | RekhtaGujarati

કૈંક તો સમજાય એવું બોલ ચકલી,

મસ્ત રહેવાનાં રહસ્યો ખોલ ચકલી.

ઘર બન્યું ત્યારે જ સમજાયું મને કે,

છે તણખલાંના અમૂલા મોલ, ચકલી.

ઊડતી, ગાતી ને ચણતી મોજથી તું,

જિંદગી મારી છે લોલંલોલ, ચકલી.

વ્હેંચતી આનંદ તું, ચીં ચીં કરીને,

આ અમારા શ્વાસ બોદા ઢોલ ચકલી.

ચણ બની વેરાઉં છું હું આંગણામાં,

આવજે ચણવા, લીલોછમ મોલ ચકલી.

સ્રોત

  • પુસ્તક : ક્ષણોનાં પ્રતિબિંબ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : મયંક ઓઝા
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2025