chahun tyare ghoont bharun ne chahun tyare tyag karun! - Ghazals | RekhtaGujarati

ચાહું ત્યારે ઘૂંટ ભરું ને ચાહું ત્યારે ત્યાગ કરું!

chahun tyare ghoont bharun ne chahun tyare tyag karun!

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ચાહું ત્યારે ઘૂંટ ભરું ને ચાહું ત્યારે ત્યાગ કરું!
અમૃત ઘાયલ

ચાહું ત્યારે ઘૂંટ ભરું ને ચાહું ત્યારે ત્યાગ કરું!

મારું તો એવું છે મારા ફાવે તેવા ભાગ કરું!

આમ છે આંસુ કેવળ ટીપું કિન્તુ છે તેજાબનું ટીપું

છાંટું ચડાવી આંગળી પર તો પાણીને પણ આગ કરું!

રૂપ ગંધ રસ સ્પર્શ શબ્દનું મૂલ્ય શું છે! આવે તો

તારા પરથી ઓળધોળ હું રંગરાગનો ફાગ કરું.

સારા નરસા દિવસો તો ઇચ્છાના ઓછાયા છે,

મારા દુર્ભાગ્યને સાજન ઇચ્છું તો સોહાગ કરું!

દાગ અને દિલનો નાતો હાડચામના જેવો છે,

મૃત્યુ પૂર્વે કેવી રીતે દિલથી અળગા દાગ કરું!

કોઈ નિષાદે ચોક્કસ મારો પીછો પકડ્યો લાગે છે,

નહિ તો અદ્ધર પદ્ધર શ્વાસે આમ ભાગાભાગ કરું!

હું પણ ‘ઘાયલ’ આંગળીઓમાં એવું કામણ રાખું છું,

મેળ વગરના તારોને પણ છેડું તો એકરાગ કરું!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004