હવાથી વધારે વજનદાર છે
hawathi vadhare vajandar chhe
મનહર મોદી
Manhar Modi

હવાથી વધારે વજનદાર છે
પૂછો નામ એનું તો અંધાર છે
મુસાફર થવાનું પ્રલોભન થશે,
આ રસ્તાઓ એવા ચમકદાર છે
મને નમ્ર ચહેરાઓ મળતા રહે છે
અને જાય કહીને : આ સંસાર છે
નિસાસાઓ રંગે છે નખ કોઈના,
બિચારા સદાના કરજદાર છે
દિવસનું તો એવું કે ઊજળો રહે,
હા, કાળી ક્ષણોનો ઘણો ભાર છે
હો ટૂકડો તો એની મજા માણીએ,
હા, આખો અનુભવ તો અંગાર છે
વિચારોમાં પેસીને નીકળી ગયા,
આ શબ્દો ય લુચ્ચાના સરદાર છે



સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986