chaal, varsaadnii mosam chhe, varastaan jaiye - Ghazals | RekhtaGujarati

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ

chaal, varsaadnii mosam chhe, varastaan jaiye

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,

કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,

માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે વેરાન, બીજું શું કરીએ,

બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા

રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ