bolyo - Ghazals | RekhtaGujarati

સુખ વિશે જ્યાં હેસિયતની બ્હાર બોલ્યો,

સ્વપ્ન જુએ છે? તરત અંધાર બોલ્યો.

કોઈ ના માન્યું, વધારે સાવ બગડ્યું,

હા, ઘણી વેળા થયું બેકાર બોલ્યો.

લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ,

આવડે એવું બધું વ્યવહાર બોલ્યો.

કેટલાં વરસો ગયાં ભૂંસવામાં,

ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો.

ખૂબ ઊંડી છે કહી સહુએ વધાવી,

વાત મામૂલી અગર વગદાર બોલ્યો.

એક વેળા સાંભળ્યું મેં આતમાનું,

ત્યારથી વચ્ચે વારંવાર બોલ્યો.

સ્રોત

  • પુસ્તક : મૌનની મહેફિલ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009