ભૂલી ગયો જે વાત ફરી યાદ ક્યાં કરું
bhuulii gayo je vaat pharii yaad kyaan karun
વિકી ત્રિવેદી
Vicky Trivedi
ભૂલી ગયો જે વાત ફરી યાદ ક્યાં કરું
bhuulii gayo je vaat pharii yaad kyaan karun
વિકી ત્રિવેદી
Vicky Trivedi
વિકી ત્રિવેદી
Vicky Trivedi
ભૂલી ગયો જે વાત ફરી યાદ ક્યાં કરું,
નાહક ફરી બે આંખથી વરસાદ ક્યાં કરું.
અહીંયા ઘરો બળે તો કોઈ દેખતું નથી,
હૈયું બળે છે એની ફરિયાદ ક્યાં કરું?
હૈયામાં રહેવા તો નથી બનતા એ જાણું છું,
પણ લાગણીના પંખી હું આઝાદ ક્યાં કરું?
હા, આમ આખી દુનિયા પરાઈ પરાઈ છે,
ને આમ મારી સમજુ છું, વિખવાદ ક્યાં કરું?
મારા હૃદયના તળ સુધી તું ક્યાંય ના મળ્યો,
સમજાવ કે હવે પ્રભુ હું સાદ ક્યાં કરું?
એક શખ્સ મારા જેવો બની જાત આપમાં,
કિંતુ થયું કે પાછો આ અપવાદ ક્યાં કરું.
હું ક્યાંય પણ નથી છતાં હું મુક્ત પણ નથી,
બોલો હવે મને હું બીજે બાદ ક્યાં કરું?
ધારું તો તમને પ્રેમમાં પાગલ કરી શકું,
પણ તમને મારી જેમ હું બરબાદ ક્યાં કરું.
શૈશવ, મા, ઘર કે કોઈ બીજું પોતીકું નથી,
ચાહું છતાંય બોલ હું ઉન્માદ ક્યાં કરું?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
