bhuli na ja - Ghazals | RekhtaGujarati

એક વેળા તેં મને ચાહ્યો હતો વાતને ભૂલી જા,

આપણે પર્વતને પણ તોડ્યો હતો વાતને ભૂલી જા,.

તેં તો આકાશ ફાડ્યું, તું ચમકી, ઝરમરી, વરસી પડી;

હું વરસાદમાં નાહ્યો હતો વાતને ભૂલી જા.

તું હલેસાં શ્વાસનાં લઈ નીકળી’તી કેટલા ઉત્સાહથી,

ને મને દરિયો ગણી ખેડ્યો હતો વાતને ભૂલી જા.

તેં ભલે ને સાવ અમથો માર્ગ બદલાવ્યો હશે. તો પણ અહીં–

એક આખો કાફ્લો તૂટ્યો હતો વાતને ભૂલી જા.

એક ક્ષણમાં બધું ભૂલી જશે તો છે તને અધિકાર, પણ

એક વેળા તેં મને ચાહ્યો હતો વાતને ભૂલી જા.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008