ભીંત પર
bhint par
અંજુમ વાલોડી
Anjum Valodi
જોઈ લઉં છું સ્વપ્નને સાકાર ભીંત પર,
હો એટલો તો મારો અખત્યાર ભીંત પર.
ખાલી કરી ગયા છે વસાહત કરોળિયા,
જાળાની રહી ગઈ છે ફક્ત હાર ભીંત પર.
હળવે રહીને મૂકજો ચિત્રો ભવિષ્યનાં,
વીતી ગયેલ કાળનો છે ભાર ભીંત પર.
માન્યું હતું, પ્રલયમાં સહારો તો જોઈશે,
દોરી’તી એટલે તો મેં પતવાર ભીંત પર.
વસવાટ આપણો છે અહીં એક છત નીચે,
છે તોય કેમ દ્વેષની તલવાર ભીંત પર?
જેને મળી શક્યું નહીં કોઈ સ્થાન પત્રમાં,
જોવા મળે છે એવા સમાચાર ભીંત પર.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1991 (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1992