ભેદ સારાસારનો બસ કો'કને પરખાય છે
bhed saaraasaarno bas ko'kne parkhaay chhe

ભેદ સારાસારનો બસ કો'કને પરખાય છે
bhed saaraasaarno bas ko'kne parkhaay chhe
કુલદીપ કારીયા
Kuldeep Karia

ભેદ સારાસારનો બસ કો'કને પરખાય છે,
માખી વધતી જાય છે, મધમાખી ઘટતી જાય છે.
તૂટે અત્તરની શીશી પણ મહેક ના તૂટે કદી,
કોઈ જ્યારે તૂટે છે ત્યારે વધુ સંધાય છે.
હું છું એ મહેફિલ, વધાવે દાદ આપીને તરત,
મંચથી કોઈ વિરોધી સૂર જો રેલાય છે.
બોસ આ ઘટનાને લેશે કઈ રીતે? કોને ખબર?
કામ બાજુ પર મૂકીને પુસ્તકો વંચાય છે.
કાયમ એ કહેતા, 'મૂંઝાતો નહીં કદી, બેઠો છું હું.'
એની પાસે જઈને બેસું તો ઊભા થઈ જાય છે.
મંદિરે પણ એવા લહેકામાં એ બોલે પ્રાર્થના,
જેને લાગે છે બધી જગ્યાએ વહીવટ થાય છે.
ગોદડું, સ્વેટર, હરિનું નામ કે આઘાત દે,
ઓઢવા જલ્દી કંઈક આપી દે, ઠંડી વાય છે.



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન