shabad - Ghazals | RekhtaGujarati

સાગરી પેટાળ પેઠે, માંડ મેં તોડ્યો શબદ;

દાગના સુરંગ ફૂટે, તેમ મેં ફોડ્યો શબદ!

ઝીની ઝીની ચદરિયાં ફાટી તૂટી થઈ ગઈ,

થીંગડાંની જેમ એમાં ચોતરફ સાંધ્યો શબદ!

એકતારા જેમ રણઝણતો થયો માંહ્યલો;

જેવો એના તાન પર થઈ મસ્ત મેં જોડ્યો શબદ!

બંધ કરિયાં બારણાં, ભોગળ ભીડી, ગઠરી લીધી;

ને ગઠરિયામાં મૂકી, દઈ વળ અને બાંધ્યો શબદ!

દેશ પહોંચી, હાશ કહીને, પોટલી નીચે મૂકી;

રામજીનું નામ લઈ, હળવેકથી છોડ્યો શબદ!

હાથ ભાલો, ઢાલ કેડે, અશ્વ પર થઈને સવાર;

સિંદુરી થાપા દઈને, ખાંભીએ ખોડ્યો શબદ!

કેવી મસ્તી! રોફ કેવો! કેવી મારી બેખુદી!

અધખૂલ્યા ઓષ્ઠ પરથી, જ્યારથી ચૂમ્યો શબદ!

કોણ જાણે મેં કર્યા કેવા હશે, કૈં કૈં ગુનાહ;

આજ મારાથી મારો, લો જુઓ, રૂઠ્યો શબદ!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999