bas etli samaj mane parwardigar de - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

bas etli samaj mane parwardigar de

મરીઝ મરીઝ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે
મરીઝ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઇ દવા નથી,

જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,

શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,

સંકોચ આટલો કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,

મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

નવરાશ છે હવે જરા સરખામણી કરું,

કેવો હતો અસલ હું, મને ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,

પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે.

નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,

દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે,

અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,

ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009