બંધ દરવાજાની ભીતર કોણ છે?
Bandh Darwaja Ni Bhitar Kon Chhe?
હનીફ સાહિલ
Hanif Sahil
હનીફ સાહિલ
Hanif Sahil
બંધ દરવાજાની ભીતર કોણ છે?
હું જો બાહર છું તો અંદર કોણ છે?
લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે?
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1976 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
