બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
bahu j angat vaat aa dekhay chhe tevi nathi
લલિત ત્રિવેદી
Lalit Trivedi
બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
bahu j angat vaat aa dekhay chhe tevi nathi
લલિત ત્રિવેદી
Lalit Trivedi
બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી
છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી
ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી
છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી
સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી?
ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધર કે જાત આ દેખાય છે તેવી નથી
કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે!
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી
સૂસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
ક્યાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર ૨૦૦૦ – જાન્યુઆરી ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન