badhe kaachnuu bhiint paththarnaan ghar chhe - Ghazals | RekhtaGujarati

બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે

badhe kaachnuu bhiint paththarnaan ghar chhe

રશીદ મીર રશીદ મીર
બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે
રશીદ મીર

બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે,

અહીં ભીડ ઝાઝી ને સૂનું નગર છે.

તિરાડોમાં એનો ઘરોબો હશે કાં?

કે બંધ બારણાને ટકોરાનો ડર છે.

હું વાંચ્યા વગર સાર પામી ગયો છું,

ભલેને ઉપરથી બીડેલું કવર છે.

કિનારામાં જડતા અકારણ વસી ગઈ,

નહિતર નદીનું તો કોમળ જિગર છે.

બાંધો લીલાં તોરણો બારણે મુજ,

જીવનમાં અહીં તો સદા પાનખર છે.

ઊઠી તો ગયા છે ભલે ‘મીર’ ત્યાંથી,

ઊભા છે હજી એમની જ્યાં ડગર છે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - સપ્ટે.-ઑક્ટો., 2017 (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ