badha olkhe chhe - Ghazals | RekhtaGujarati

બધા ઓળખે છે

badha olkhe chhe

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
બધા ઓળખે છે
શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;

નથી મારૂં વ્યક્તિત્વ છાનું કોઈથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે,

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.

મેં લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસું,

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,

ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,

મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,

મળી છે અમોને જગા મોતીઓમાં;

તમોને ફક્ત બુદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારે,

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.

સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ

મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;

સદીઓથી મારી ખબર છે દિશાને

યુગોથી મને કાફલા ઓળખે છે

દિલે શૂન્ય, એવા જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો;

છું ધીરજનો મેરુ ખબર છે વફાને

દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોક મિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982