બારણે ઊભા છીએ
baarne uubhaa chhiye
અશ્ક માણાવદરી
Ashq Manavadri

ક્યાં કોઈને નોતરીને બારણે ઊભા છીએ
મનમાં એક અટકળ કરીને બારણે ઊભા છીએ
એક પળ, ઘરમાં પ્રતીક્ષા બેસવા દેતી નથી
આંગણે આંટા ફરીને બારણે ઊભા છીએ
પ્રેમરોગીને પથારીમાં ભલા આરામ ક્યાં
પથમાં દૃષ્ટિ પાથરીને બારણે ઊભા છીએ
ઉન્નતિ ઉન્માદની લાવી જુઓ કેવું પતન
મેડીએથી ઊતરીને બારણે ઊભા છીએ
'અશ્ક' મોડી રાતે આ હઠ છે પ્રતીક્ષક જીવની
આંગણે દીવો કરીને બારણે ઊભા છીએ



સ્રોત
- પુસ્તક : વિદેશી ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : દીપક બારડોલીકર
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2000