arpar jiwyo chhun - Ghazals | RekhtaGujarati

આરપાર જીવ્યો છું

arpar jiwyo chhun

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
આરપાર જીવ્યો છું
અમૃત ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું,

હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,

વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદર બહાર જીવ્યો છું,

ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.

મધ્યમાં જીવવું ના ફાવ્યું,

હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ મારી ગતિ,

આમ બસ મારમાર જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,

અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,

આગમાં પૂર બહાર જીવ્યો છું.

હું વરસ્યો છું ખૂબ જીવનમાં,

હું બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,

સર્વથા શાનદાર જીવ્યો છું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004