anjumanman - Ghazals | RekhtaGujarati

એવી કો' તેજરેખા દોરાઈ તુજ નયનમાં,

ઝબકી રહી હો જાણે વીજળી કોઈ ગગનમાં.

એક પળ મીંચાઈ મારી આ દર્શનાતુર આંખો,

એક પળ, કહે છે, પડદો ઊપડ્યો'તો અંજુમનમાં.

મંજિલની શોધમાં હું રણ માંહે આથડું છું,

રહેબર તો, સાંભળ્યું છે, થાળે પડ્યા ચમનમાં.

એ કલ્પનાનાં ઝાકળ, આદર્શનાં એ મૃગજળ,

ચમકે છે કાવ્યમાં પણ ટકતાં નથી જીવનમાં.

હસતા આ 'લુત્ફ'ની તું અંતર-વ્યથા શું જાણે?

તુજને ખબર શું, સહચર! છે કેવી આગ મનમાં?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ