anang dwara - Ghazals | RekhtaGujarati

અનંગ દ્વારા

anang dwara

કિસ્મત કુરેશી કિસ્મત કુરેશી
અનંગ દ્વારા
કિસ્મત કુરેશી

બરબાદ થાય છે દિલ એના ઉમંગ દ્વારા,

પીંખાય છે અભાગી માળો વિહંગ દ્વારા.

પાયલને વશ થવા દઈ કો'ના મૃદંગ દ્વારા,

સાધી લીધાં હૃદય તેં નિજ અંગભંગ દ્વારા.

હે દીપિકા! જો સમજણ સૌંદર્ય હોત પામ્યું,

પ્રખ્યાતિ તું ચાહત પાગલ પતંગ દ્વારા.

રણને કહો કે રોકે નહિ એની પ્રેયસીને,

સાગર ધસી રહ્યો છે લાખો તરંગ દ્વારા.

કાળી કીકીનાં શાં કામણ ને શી કરામત,

માણ્યા અનેક રંગો એક શ્યામ રંગ દ્વારા.

તપસીનાં તપ તજાવે છો મેનકાનાં કામણ,

હરગિજ નથી જિતાયા શંકર અનંગ દ્વારા.

નહિ છોડું તારો પીછો બીકે પર દીધા,

ખોટ પૂરી લીધી મેં મુજ તરંગ દ્વારા.

ભૂલા પડેલ દ્રષ્ટાને અંધ દોરવાના,

જગ પામવાનું મંજિલ અંતે અપંગ દ્વારા.

મારા મરણની કરવાને ખાતરી આવ્યાં,

પામ્યો હું સંગ મીઠો માઠા પ્રસંગ દ્વારા.

નજરુંના દોર દ્વારા અજમાવ પેચ કાતિલ,

જો ‘કિસ્મતે’ ચગાવ્યું હૈયું પતંગ દ્વારા.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4