amthi tem jai akhre man roi paDyun - Ghazals | RekhtaGujarati

આમથી તેમ જઈ આખરે મન રોઈ પડ્યું

amthi tem jai akhre man roi paDyun

દિલીપ વ્યાસ દિલીપ વ્યાસ
આમથી તેમ જઈ આખરે મન રોઈ પડ્યું
દિલીપ વ્યાસ

આમથી તેમ જઈ આખરે મન રોઈ પડ્યું,

વાર્યું ઘરમાં તો ચડી છાપરે મન રોઈ પડ્યું.

એક તો શબ્દનો વિસ્તાર, પણ વળાંકભર્યો;

-ને વળી એમાં ખૂણે-ખાંચરે મન રોઈ પડ્યું.

યાદ કોની છે તેની સ્પષ્ટતા થઈ શકી,

સાવ અનુમાન અને આશરે મન રોઈ પડ્યું.

ઊંચકાઈ ને ઢળી સાંજની નજર નમણી,

કોઈ કિલ્લાને એક કાંગરે મન રોઈ પડ્યું.

આખરે રાત કવિતાની પણ થઈ પૂરી

-ને સવારે સખત ઉજાગરે મન રોઈ પડ્યું!

સ્રોત

  • પુસ્તક : ઊભો છે સમય બહાર (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : દિલીપ વ્યાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984