amne jeman Dubwani chhoot apai - Ghazals | RekhtaGujarati

અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ

amne jeman Dubwani chhoot apai

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ
મુકુલ ચોક્સી

અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ – તે નદી,

છટપટાહટની છતાં જ્યાં છે મનાઈ – તે નદી.

તારી માફક નક્કી થઈ શકતું નથી જેને વિશે,

કે ખરેખર આ નદી છે કે છે ખાઈ – તે નદી.

છૂટાછેડા પાણીથી લેવા હતા જેને અને,

આંસુથી કરવી હતી જેને સગાઈ – તે નદી.

હસ્તરેખાઓમાં સાંગોપાંગ તે વહેતી હશે

જેણે નકશાથી કરી છે બેવફાઈ – તે નદી.

આપણે તરસ્યા થયા, તો વચ્ચેથી પ્રગટી ઊઠી

નામ જેને સૌએ આપ્યું'તું જુદાઈ – તે નદી.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001