Amastu Lohi Vahe Chhe Javado Vaat Java Do - Ghazals | RekhtaGujarati

અમસ્તું લોહી વહે છે જવા દો વાત જવા દો

Amastu Lohi Vahe Chhe Javado Vaat Java Do

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
અમસ્તું લોહી વહે છે જવા દો વાત જવા દો
આદિલ મન્સૂરી

અમસ્તું લોહી વહે છે જવા દો વાત જવા દો

કોઈનો દેહ પડે છે જવા દો વાત જવા દો

મકાન ભડકે બળે છે જવા દો વાત જવા દો

૫વનનું જોર વધે છે જવા દો વાત જવા દો

નગર તો ક્યારના સૂમસામ છે અને માણસ

તો જંગલોમાં વસે છે જવા દો વાત જવા દો

ઉઘાડાં બારણાં, મધરાત, સૂના રસ્તાઓ

કોઈનું પ્રેત ફરે છે જવા દો વાત જવા દો

ખંડિયેરમાં ક્યારેક જો કોઈ આવે

તો એને અસ્થિ મળે છે જવા દો વાત જવા દો

શબદના દેહમાં ઊંડે સુધી કલમની અણી

હજીયે લોહી વહે છે જવા દો વાત જવા દો

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ