amari pichhan - Ghazals | RekhtaGujarati

અમારી પિછાન

amari pichhan

કલાપી કલાપી
અમારી પિછાન
કલાપી

અમે જોગી બધા વરવા શ્મશાનો ઢૂંઢનારાઓ;

તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ.

જહાં જેને કરી મુર્દું કબરમાં મોકલી દેતી,

અમે કાનમાં જાદૂ અમારૂં ફૂંકનારાઓ.

જહાંથી જે થયું બાતલ અહીં તે છે થયું શામિલ;

અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ.

જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,

બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં વહોરનારાઓ.

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી,

વાંચે કોઈ યા વાંચે, પરવા રાખનારાઓ.

ગરઝ જો ઈશ્કબાજીની, અમોને પૂછતા આવો,

બધાં ખાલી ફિતૂરથી તો સદા નાસનારાઓ.

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પહોંચતી ત્યાં ત્યાં,

ઝમી ને આસમાનોના દડા ઉડાવનારાઓ.

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,

અમે આરામમાં ક્યાંયે સુખેથી ઊંઘનારાઓ.

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ ડરતાં,

અમે જાણ્યું, અમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ.

ઝખમથીજે ડરી રહેતાં, વગર ઝખમે ઝખમ સહેતાં;

અમે તો ખાઈને ઝખમો ખૂબી ત્યાં માનનારાઓ.

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા,

મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ.

અમારાં આંસુથી આંસુ મિલાવો, આપશું ચાવી;

પછી ખંજર ભલે દેતાં, નહીં ગણકારનારાઓ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942